પાણીખડકનો ઈતિહાસ
110 વર્ષના નગીન દાદા આઝાદીના સાક્ષી
ભવાની માતા મંદિર ભક્તો માટે આસ્થાનું પ્રતિક.
ખેરગામ નગરથી 7 કિ.મી.ના અંતરે આવેલું પાણીખડક ગામ ખડકમાંથી પાણી નીકળતા ગામનું નામ પાણીખડક પડ્યું હોવાનું લોકો કહે છે. ગામના લોકો પશુપાલન અને ખેતીની સાથે પરંપરાગત વ્યવસાયને ટકાવી રાખી રોજગારી મેળવી રહ્યાં છે. આ ગામના લોકો પૈકી કેટલાક પ્રાધ્યાપક, ડોકટર, ગ્રામસેવક તેમજ સરકારી તેમજ ખાનગી ક્ષેત્રના વિવિધ વિભાગમાં વિવિધ હોદ્દા ઉપર ફરજ બજાવી રહ્યાં છે.
સરપંચ અશ્વિનભાઈ પટેલ જણાવે છે કે 1064 હેક્ટરમાં ફેલાયેલા પાણીખડક ગામની કુલ વસતી 2615 પૈકી 1312 પુરુષ અને 1303 સ્ત્રીનો સમાવેશ થાય છે. પટેલ ફળિયામાં રહેતા નગીનભાઈ ઝીણાભાઈ પટેલ 110 વર્ષના છે. 11 દાયકામાં તેમણે અંગ્રેજી હુકુમત, રાજા રજવાડાનો સમય અને દેશની આઝાદી બાદ નવા ભારતનો ઉદય પણ નિહાળ્યો છે. તેઓ સાપનું ઝેર ઉતારવામાં પણ મહારત ધરાવે છે. નગીનદાદા યુવાની કાળની વાત કરતા કહે છે કે,જીવન આયખું વિતી ગયું, ઘણું બધું બદલાઈ ગયું છે.
ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવતા
આઝાદીની લડત માટે યુવાનોમાં થનગનાટ હતો. ગાંધીજી ચીખલી આવેલા એ વેળા તંબુ તાણીને રહ્યા હતા. એ વેળા મુલાકાતની એક તક ઝડપી લીધી હતી. એ વાતને તેઓ પોતાનું સૌભાગ્ય માને છે. ભારતનાં પૂર્વ વડાપ્રધાન સ્વ.ઇન્દિરા ગાંધી સાથે પણ તેમની ઓળખાણ હતી. તેઓ ધરમપુરના રાજા મોહનદેવજીને ત્યાં વેઠ તરીકે કામ કરતા હતા અને સાથે ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા.
વાંસમાંથી ટોપલાં, છાબલી વગેરે બનાવી રોજગારી મેળવતા પરિવારો
કોળચા, કોટવાળીયા સમાજના લોકોએ પરંપરાગત વ્યવસાય ટકાવી રાખ્યો છે.પહેલાં ખેતી અને મજૂરી કરી જીવન ગુજારતા પરિવારોએ આજે રોજગારીની દિશા બદલી છે પરંતુ કેટલાક પરિવારોએ પોતાનો વ્યવસાય આજે પણ ટકાવી એને નવી દિશા આપી છે. ગામમાં કોળચા કોટવાળીયાનાં 45 ઘર છે. જેઓ વાંસમાંથી ટોપલાં, છાબલી, પાલુ, ડાલા સહિતની વસ્તુઓ બનાવી જીવન ગુજારવા રોજગારી ઉભી કરે છે.
મંદિરની ઉંચાઇ 75 ફૂટ છે
પાણીખડક ગામના રહીશોના જણાવ્યા મુજબ ભવાની મંદિર ચોસઠ ગોઢાવાળું હતું. જે મંદિર કોણે બનાવ્યું એની જાણકારી નથી. વર્ષ 1977-78માં સ્વ.ચંદુભાઈ રતનજીભાઈ દેસાઈ સહિતના આગેવાનોના સહકારથી મંદિરનો જીર્ણોદ્ધાર થયો હતો. આ મંદિરની ઊંચાઈ 72 ફૂટ છે. માં ભવાનીના મંદિરના સાંનિધ્યે દર વર્ષે 14મી જાન્યુઆરીને મકરસંક્રાંતિના દિવસે ખૂબ મોટો મેળો ભરાય છે.જે દિવસ માતાજીનો દિવસ તરીકે પણ ઉજવાય છે,જેમાં દૂર દૂરથી શ્રદ્ધાળુઓ આવી દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરે છે.
શિક્ષણની સાથે સંસ્કારનું સિંચન
ઇ.સ.1983માં શરૂ થયેલી સંસ્કાર વિદ્યામંદિર-પાણીખડક શાળામા શિક્ષણ મેળવી વિદ્યાર્થીઓ, ડોક્ટર, એન્જિનિયર, ફાર્મસી તેમજ શિક્ષકો, પ્રાધ્યાપકો તરીકેની સમાજમાં સેવા આપી રહ્યાં છે. ટ્રસ્ટના આદ્ય સ્થાપક સ્વ.ચંદુભાઇ રતનજી દેસાઇનું તા. 8.5.21ના દિને અવસાન થયા બાદ શાળાના નવા પ્રમુખ તરીકે આછવણીના ધર્માંચાર્ય પરભુભાઇ પટેલ અને આચાર્ય તરીકે મનોજકુમાર પટેલ સેવા આપી રહ્યાં છે.
Post credit : Divya Bhaskar (Asif shekh)
Comments
Post a Comment